Pages

Wednesday, December 26, 2012

વાંચવાનું ચૂકશો નહિ : હૃદયને સ્પર્શ કરી જાય તેવી વાત ...!!!


એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.
એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’
‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.
હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’
‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.
‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’
ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા. 

No comments:

Post a Comment